You are Here: Home » Bhajan » Shri Yamunaji » શ્રી યમુનાજીની સ્તુતિ
|

શ્રી યમુનાજીની સ્તુતિ

Shri Yamunaji Stuti

[Total: 250 Average: 4.8]

શ્રી કૃષ્ણના ચરણાર્વિંદની રજ થકી શોભી રહ્યાં,
સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને,
સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું,
ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું,
પૂજે સુરા સુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો,
વંદન કરૂં શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૧)

માં, સુર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યાં,
ત્યાં કલિન્દના શિખ ઉપર શોભા અતિ સુંદર દીસે,
એ વેગમાં પત્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યાં,
ને આપ પણ ઉલ્લાસ પૂર્વક ઉછળતાં શોભી રહ્યાં,
હરી હેતના ઝુલા ઉપર જાણે બીરાજ્યા આપ હો ..વંદન કરૂં શ્રી યમુનાજીને

શુક મોર સારસ હંસ આદી પક્ષીથી સેવાયેલાં,
ગોપીજનોને સેવ્યા ભુવન સ્વજન પાવન રાખતાં,
તરંગ રૂપ શ્રીહસ્તમાં રેતી રૂપી મોતી તણાં,
કંકણ સરસ શોભી રહ્યાં શ્રી કૃષ્ણને બહુ પ્રિય જે,
નિતમ્બ રૂપ શ્રી તટ તણું અદભૂત દર્શન થાય જો .. વંદન કરૂં શ્રી યમુનાજીને

અનંત ગુણથી શોભતાં સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે,
ઘનશ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું,
વિશુદ્ધ મથુરા આપના સાન્નિધ્યમાં શોભી રહ્યું,
સહુ ગોપ ગોપી વૃન્દને ઇચ્છીત ફળ આપી રહ્યું,
મમ કોડ સૌ પુરા કરો જ્યમ ધ્રુવ પરાસરના કર્યા ..વંદન કરૂં શ્રી યમુનાજીને

શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાન્હવી ઉત્પન્ન થયાં,
સત્સંગ પામ્યાં આપનોને સિદ્ધિ દાયક થઇ ગયા,
એવું મહાત્મય છે આપનું સરખામણી કોઇ શું કરે,
સમ કક્ષમાં આવી શકે સાગર સુતા એકજ ખરે,
એવાં પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો …વંદન કરૂં શ્રી યમુનાજીને

અદભૂત ચરિત્ર છે આપનું વંદન કરૂં હું પ્રેમથી,
યમ યાતના આવે નહિ, માં,  આપના પય પાનથી,
કદી દુષ્ટ હોઇએ તોય પણ સંતાન છીએ અમે આપના,
સ્પર્શે ન અમને કોઇ ભય છાયા સદા છે આપની,
ગોપીજનો પ્રભુ પ્રિય બન્યાં એવી કૃપા બસ રાખજો.. વંદન કરૂં શ્રી યમુનાજીને

શ્રી કૃષ્ણને પ્રિય આપ છો મમ દેહ સુંદર રાખજો,
ભગવદ્ લીલામાં થાય પ્રિતી સ્નેહ એવો આપજો,
જ્યમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યાં,
મમ, દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવાં રાખજો,
વિરહાર્તિમાં હે માત, મારા હૃદયમાં બીરાજજો… વંદન કરૂં શ્રી યમુનાજીને

હું આપની સ્તુતિ શું કરૂં માહાત્મય અપરંપાર છે,
શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે,
પણ આપની સેવા થકી અદભુત જલ ક્રિડા તણાં,
જલના અણુની પ્રાપ્તિ થાયે, ગોપીજનો ના સ્નેહ થી  
એ સ્નેહનું સુખ દિવ્ય છે મન મારૂં એમાં સ્થાપજો… વંદન કરૂં શ્રી યમુનાજીને

કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો,
નિશ્ચય પ્રભુને પ્રિય થશેને નાશ થાશે પાપનો,
સિદ્ધિ સકલ મલશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતી,
આનંદ સાગર ઉમટશેને સ્વભાવ પણ જાશે જીતી,
જગદીશને વ્હાલા શ્રી વલ્લભાધીશ ઉચ્ચરે ..વંદન કરૂં શ્રી યમુનાજીને


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *